Wednesday, October 7, 2009

ખાલીપણાનો ભાર છે ---નિખિલ જોશી



ખાલીપણાનો ભાર છે
એનો જ તો આભાર છે
એના વિષે હું શું કહું?
એ તો સમજદાર છે

આંખ માં ખૂંપી રહી
સ્વપ્નની એ ધાર છે

શાહી છે બસ ત્યાં લગી
આ કલમ ઓજાર છે

એક મુઠ્ઠી ઝાંઝવા
કે બધે વ્યાપાર છે

સાવ સૂની શેરીઓમાં
બંધ બધ્ધા દ્વાર છે

એક ભીના સ્પર્શનો
સંઘર્યો આધાર છે

સ્મિત ઝાંકળનું અહી
ફૂલ નો શણગાર છે

ઉજાગરાની ઓથમાં
આંખનો નિખાર છે

બૂંદ થઇ બેસી શકું
એટલો વિસ્તાર છે

મૂડી બચી છે આટલી
એ ઝંખના બે-ચાર છે

સંવેદનાના નામ પર
જ્યાં જુઓ ત્યાં ઠાર છે

સુર્યતાપે ગુલમહોરે
છાવની બોછાર છે

ગર્ભના આ શ્વાસમાં
અણદીઠો કો તાર છે

મધ્યદરિયે નાવનો
સઢ પરે મદાર છે

દુશ્મનોની ધારણામાં
દોસ્તનો આ વાર છે

એ બધા ઉજવી રહ્યા
એ અમારી હાર છે

ભેટ આપ્યો તે કિનારો
ને તુંજ પેલે પાર છે

શાંત છે સઘળી દિશા
યુદ્ધનો અણસાર છે

હું ભજું કે તું પઢે
એક સઘળો સાર છે

---નિખિલ જોશી

Saturday, May 2, 2009

મધરાતે નિન્દરને ગામ –નિખિલ જોશી



મધરાતે નિન્દરને ગામ



મધરાતે નિન્દરને ગામ જુઓ કેવુ તો ફાટી રે નિકળ્યુ તોફાન
સપના ના જુંડ સામે લડવાને જંગ મે તો આંસુ ને સોપ્યુ સુકાન



આંસુ ની જાત સખી એવી તે કેવી અડકો જરાક ત્યાજ પાણી પાણી
કોણ લાવ્યુ આખ્યુ ના ઉંડા કૂવેથી એને પાંપણની પાળ લગી તાણીતાણી
અન્ધારે ડુબ્યો રે ઓરતા નો સૂરજ ને છાતીમા વસતુ વેરાન



સપનાના જુંડનુ તો એવુ જૂનૂન જાણે છાતીમા ધસમસતુ ધણ
ઘરના અરિસાઓ શોધે છે સમટા ખોવાયુ જે એક જણ
રુવાડે બટકેલી બેઠી છે ઇચ્છાઓ ઉમ્બરનુ જાળવવા માન



–નિખિલ જોશી

Thursday, April 30, 2009

જુરાપા નુ ઝાડ --- નિખિલ જોષી


જુરાપા નુ ઝાડ --- નિખિલ જોષી


છાતી ની અધવચ્ચે ઉગ્યુ જુરાપા નુ ઝાડ
કેવી ઉંચી કાટાળી આ કૂદી શકૂ ના વાડ


મને ખબર ના તને ખબર છે કયા લગ આવુ જુરવુ
આથમવાની ટેવ પડી ગઇ કેમ કરીને ઉગવુ
ભીંસીને છે વાસી સાકળ ખૂલે નહી કમાડ


મુઠીભર આ લાગણીઑ નુ કેટ્કેટ્લુ જોર
પાપણમા એ જીલમીલ જીલમીલ રૉજ મચાવે શોર
ના પોસાશે આપણને આ સપનાઓના લાડ


થોકબન્ધ આ સ્મરણૉને જૉ ખીસ્સામા સંઘરીયે
હાલક ડૉલક નાંવ મળી છે કાંઠાને કરગરિયે
વસમા છે કાઇ ઓળન્ગવા આ ઇચ્છાઓ ના પહાડ


--- નિખિલ જોષી