એનો જ તો આભાર છે
એના વિષે હું શું કહું?
એ તો સમજદાર છે
આંખ માં ખૂંપી રહી
સ્વપ્નની એ ધાર છે
શાહી છે બસ ત્યાં લગી
આ કલમ ઓજાર છે
એક મુઠ્ઠી ઝાંઝવા
કે બધે વ્યાપાર છે
સાવ સૂની શેરીઓમાં
બંધ બધ્ધા દ્વાર છે
એક ભીના સ્પર્શનો
સંઘર્યો આધાર છે
સ્મિત ઝાંકળનું અહી
ફૂલ નો શણગાર છે
ઉજાગરાની ઓથમાં
આંખનો નિખાર છે
બૂંદ થઇ બેસી શકું
એટલો વિસ્તાર છે
મૂડી બચી છે આટલી
એ ઝંખના બે-ચાર છે
સંવેદનાના નામ પર
જ્યાં જુઓ ત્યાં ઠાર છે
સુર્યતાપે ગુલમહોરે
છાવની બોછાર છે
ગર્ભના આ શ્વાસમાં
અણદીઠો કો તાર છે
મધ્યદરિયે નાવનો
સઢ પરે મદાર છે
દુશ્મનોની ધારણામાં
દોસ્તનો આ વાર છે
એ બધા ઉજવી રહ્યા
એ અમારી હાર છે
ભેટ આપ્યો તે કિનારો
ને તુંજ પેલે પાર છે
શાંત છે સઘળી દિશા
યુદ્ધનો અણસાર છે
હું ભજું કે તું પઢે
એક સઘળો સાર છે
---નિખિલ જોશી