Tuesday, February 28, 2012




સાંજ પડે ને મારી ભીતર

સાંજ પડે ને મારી ભીતર એક અમસ્તું અંધારું કંઈ ફેલાતું રેલાતું જાણે
કાયાની કાચળીઓ કોરી અંગ અંગ એ રેતી થઈને રણ બની વિસ્તરતું
આથમણે સૂરજ ડુબેને છાતીમાં જો ફટાક દઈ ને ફાટ ફાટ થાતી નાડીમાં
ઉઝરડાઓ આળસ મરડે હળું હળું વહેતું આ લોહી એને
જઈ  કરગરતું
 
ઝાંકળ જેવી નાજુક નમણી જાત લઇ ને નીસર્યાતા પણ સૂરજ ના સાતે ઘોડાએ
પ્રખર દોડ માં રગદોળીને રૂંધ્યા છે આ શ્વાસ અમારા તમે કહો શું કરવું?
કરી હાથના હલ્લેસાઓ હંકારીતી નાવ અમેતો અધવચ્ચે દરિયાની પણ જો
ઉછળતા મોજાઓ ની આ ખારાશે બસ હાથ ઓગળે કેમ કરીને તરવું?
અંધારું આ એમ અડોઅડ ઉભે મારી જાત સમીપે ખસતા ખસતા ખીણ લગોલગ
પગલાં પહોચે ને જાણે મન પડું પડું થાતી ભેખડ થઇ ભસ દઈ ને પડતું

એક એક આ શ્વાસ નો માથે ભાર લઇ ને ફરતાં ફરતાં ધબકારા ના ગામ વચોવચ
એકલપંડ ઝૂરી ઝૂરી ને અભાગણી આંખો આ શોધે છે બસ સુખનું સરનામું
કંઈ કેટલી દિશા ઘૂમીને કંઈ કેટલા રસ્તા બદલ્યા એકટસી પાંપણ ખોળે છે
નીંદર નાં મુકામ ને તોયે ઉજાગરા નું ટોળું આખું રોજ મળી જાય સામું
પડખે પડખે રાત વીતેને સવા મણનો સૂરજ ઊંચકી પાડું છું પરભાત ને
જયારે આઇનામાં સામે જઉં તો ઘરમાં મારા જેવું કોઈ નથી રે જડતું

--નિખિલ જોશી

No comments:

Post a Comment